ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અને પોલીસના પટ્ટા ઉતારવાના રાજકારણ વચ્ચે ખુદ પોલીસ કર્મચારીઓ જ બુટલેગર બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દાહોદમાં ચાકલીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ દારૂની હેરાફેરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો
દાહોદમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો. આ કાર ગુજરાતમાં ઘૂસી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી એલસીબીએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન કારની જાણકારી મળતા જ એલસીબીએ કારનો પીછો કર્યો હતો. આ ઘટના દરમિયાન એક કારનો અકસ્માત થયો હતો. હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ દારૂ ભરેલી ટાટા પંચ લઈને આવી રહ્યો હતો.ટાટા પંચ ગાડી ગટરમાં ઉતરતાં હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
ફરાર પોલીસ કર્મીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા
દારૂ ભરેલી ગાડીનું અલ્ટો કારમાં પાયલોટિંગ કરાતું હતું. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા દારૂની કારનુ પાયલોટિંગ કરતા હતા. પોલીસને જોઈ અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠીલા કાર સાથે ફરાર થઈ ગયા હતાં. એલસીબી પોલીસે દારરૂનો જથ્થો અને વાહન સહિત 5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર થઈ ગયેલા ત્રણેય પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં આ ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે.