ગુજરાતમાં કોંગ્રેસે મોટો ખેલ પાડી દેતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ગુલાંટ મારીને ભાજપમાં જોડાઈ જતાં હોય છે. પરંતુ રાજકારણમાં આજે ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ખેડા જિલ્લાના મોટા ગજાના આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભદરકા બાપુ આજે કોંગ્રેસમાં જોડાશે.
અમિત ચાવડા સાથેની મુલાકાતનો એક ફોટો પણ પોસ્ટ કર્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભદરકાએ ગત ઓગસ્ટ મહિનામાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામું પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સોંપ્યું હતું. તેમણે તબિયત ખરાબ હોવાથી આરામની જરૂરનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે આવીને બુથ મેનેજમેન્ટની તૈયારીમાં લાગ્યા છે તેવામાં જ પાર્ટીમાં મોટુ ભંગાણ સર્જાયું છે. કરસનદાસ ભદરકાએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને અમિત ચાવડા સાથેની મુલાકાતનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. આજે તેઓ કોંગ્રેસમાં જોડાશે. તેમણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ દરેક લોકશાહી પ્રેમી માટે માવતર પાર્ટી છે. આવો વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીએ. રાષ્ટ્ર માટે કોંગ્રેસના સિપાઈ બનીએ.