ગુજરાતમાં ટેકાના ભાવે વેચેલી મગફળીના ખેડૂતોને રૂપિયા નહીં મળતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે લખેલા પત્રમાં કૃષિ મંત્રીએ કરેલા વાયદાને યાદ કરાવ્યો છે. મગફળી વેચી હોવાને દોઢ મહિના જેટલો સમય થયો પણ હજી તેના રૂપિયા ખેડૂતોને મળ્યા નથી. કૃષિ મંત્રીએ સાત દિવસમાં રૂપિયા મળશે તેવો વાયદો કર્યો હતો. જેને લઈને પાલભાઈ આંબલિયાએ આ પત્ર લખ્યો છે.
રિસીપ્ટ અપલોડ કરવી એ કામ સરકારનું છે ખેડૂતોનું નહિ
કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પત્રમાં કહ્યું હતું કે, સરકાર પાસે તાયફા કરવા રૂપિયા છે પણ ખેડૂતોને મગફળીના રૂપિયા આપવા માટે નથી. સરકાર સાત દિવસનું વચન આપી બે બે મહિના સુધી ખેડૂતોના હક્કના રૂપિયા આપતી નથી.WHR વેર હાઉસ રિસીપ્ટ અપલોડ નથી થઈ એવા બહાના તળે ખેડૂતોના રૂપિયા રોકી રાખ્યા છે. રિસીપ્ટ અપલોડ કરવી એ કામ સરકારનું છે ખેડૂતોનું નહિ. રિસીપ્ટ અપલોડ ટેકાના કેન્દ્ર વાળા કરે કે વેર હાઉસ વાળા એનાથી ખેડૂતોને કોઈ મતલબ નથી. ખેડૂતોને આપેલી મગફળીના રૂપિયા તાત્કાલિક મળે તે કામ સરકારનું છે. જો અઠવાડિયામાં ખેડૂતોને એના હક્કના રૂપિયા નહિ મળે તો દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આંદોલન કરશે.