ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે.સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ-સંતોની ડમરુ યાત્રા યોજાઈ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે.
સાધુ-સંતોએ શૌર્યયાત્રા કાઢી હતી
સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ-સંતો ઉમટી પડ્યા હતા.શંખ સર્કલથી લઈને હમીરજી ગોહેલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક ડમરુ યાત્રામાં ગુજરાતભરના સાધુ-સંતો જોડાયા હતા. ભગવા ધ્વજ, શંખનાદ અને ડમરૂના નાદ સાથે પ્રભાસ ક્ષેત્ર જાણે કૈલાશ સમાન બની ગયું હોય તેવો નજારો સર્જાયો હતો.સોમનાથમાં જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. મુખ્ય માર્ગો પર જ્યાં નજર કરો ત્યાં સાધુ-સંતો જ નજરે પડતા હતા. હાથમાં ધ્વજ, ભગવા વસ્ત્ર અને મોઢે ‘બમ બમ ભોલેનાથ’ના નાદ સાથે સાધુ-સંતોએ શૌર્યયાત્રા કાઢી હતી.
સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરવામાં આવ્યો
વડાપ્રધાન મોદીના સોમનાથ આગમન પૂર્વે સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ ડમરુ યાત્રા દ્વારા સોમનાથની શૌર્યગાથા, આસ્થા અને સ્વાભિમાનને નવી ઉર્જા મળી છે. પ્રભાસ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સાધુ-સંતોની પધરામણીથી વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક બની ગયું હતું.પીએમ મોદીના આગમન પૂર્વે સોમનાથમાં સનાતનનો જયઘોષ થવો એ ગૌરવની વાત છે.ગીર સોમનાથમાં યોજાયેલી આ સાધુ-સંતોની ડમરુ યાત્રા સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ છે.