ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ લોકો ઠંડીથી થથરવા માંડ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધવાની શક્યતાઓ છે.
ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું
રાજ્યમાં ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ પર 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડી 12.05 સુધી પહોંચી ગયો છે. શહેરમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે. ડીસામાં 11.4, રાજકોટમાં 10.9, કેશોદમાં 10.4 અને મહુવામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાતના સમયે ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જણાવાઈ છે.