અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે 12મી ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ખેતીને પણ અસર થવાની શક્યતાઓ છે. ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે. ભેજના કારણે પાકમાં રોગ ફેલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
નલિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે
અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યા પ્રમાણે તેમનું અનુમાન છે કે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીમાં ઘટાડો થશે અને ત્યાર બાદ 10મી જાન્યુઆરીથી પવન ફૂંકાવાનું શરૂ થશે અને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચશે. જ્યારે કચ્છના નલિયામાં પણ તાપમાનમાં મોટો ઘટાડો થશે. ઉત્તર તરફના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે,કચ્છના નલિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે પવન સાનુકૂળ રહેવાનું અનુમાન છે.