અમદાવાદઃ વર્ષના છેલ્લા દિવસે જાણે અમદાવાદમાં શિયાળુ સીઝન શરૂ થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ જોવા મળતા 9 વાગ્યા સુધી વિઝિબિલિટી ઘટી હતી. એવામાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં બે દિવસ સુધી તાપમાન નીચું રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 31 મી ડિસેમ્બરે બપોર સુધીમાં વાતાવરણમાં (Gujarat Weather) પલટો આવશે. કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં ધુમ્મસ
વર્ષના છેલ્લા દિવસે અમદાવાદમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. ખાસ કરીને ધુમ્મસની ચાદર લાંબા સમય સુધી રહેતા 9 વાગ્યે પણ વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, જામનગર તથા ટંકારા પંથકમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેશે. ઠંડક વર્તાશે. અમદાવાદમાં 15 અમરેલીમાં 13.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી,ભુજમાં 16.6 ડિગ્રી, દમણમાં 16 ડીગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, દીવમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 20.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, કંડલામાં 17.3 ડિગ્રી, નલિયામાં 15.6 ડિગ્રી, ઓખામાં 20.7 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શિયાળો જામશે
જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ શિયાળો જામશે. આ વખતે શિયાળુ સીઝન મોડેથી શરૂ થઈ હોવાથી શિયાળો લાંબા સમય સુધી અનુભવાશે. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી ઠંડી પડશે. ઉત્તર દિશાથી દક્ષિણ બાજુ જતા પવનોથી રાજ્યનું તાપમાન નીચે ઊતરશે. ખાસ કરીને વહેલી સવારે ઠંડક વધારે વર્તાશે તો દિવસ કરતા રાત વધારે ઠંડી રહેશે. દરિયાકાંઠાના શહેરમાં તાપમાન ઝડપથી નીચું ઊતરતા ઠંડક વર્તાશે. જેના કારણે ઠંડીનું જોર વધશે. ગુજરાત રાજ્યમાં સોમવારથી છેલ્લા ચાર દિવસથી બપોરના સમયે ઠંડીમાંથી થોડી રાહત મળી રહી છે. વહેલી સવારે પવનની ગતિમાં વધારો થતા ઠંડક વર્તાઈ રહી છે. મોડી રાત્રી પણ ટાઢક વધતા ઠંડીનું ચમકારો અનુભવાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર અઠવાડિયાથી ઠંડી વધશે. તાપમાન નીચું જશે. પૂર્વ દિશાથી પવન ફૂંકાવવાનું શરૂ થતા ઠંડી અનુભવાઈ રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના પગલે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે મહિનામાં હજું વધારે હિમવર્ષા થશે એમ પશ્ચિમના રાજ્યોના તાપમાનમાં ફેરફાર થશે.