અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત ચોથા દિવસે યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજું આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતાઓ છે. મંગળવારે રાજ્યમાં 12 ડિગ્રી સાથે દાહોદા સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. જ્યારે રાજ્યના આઠ નગરમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. શહેરના લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું હતું.
મોટી આગાહીઃ બુધવારથી (12 નવેમ્બર 2025) પાંચ દિવસ સુધી ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતા છે. જ્યારે અમદાવાદનું તાપમાન 14થી 15 ડિગ્રી રહેવાની પૂરી શકયતા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને મોડી રાત્રે વાતાવરણ ઠંડું થતા શિતલહેરનો અનુભવ થયો હતો. જોકે, બપોરના સમયે હજું ગરમીનો અહેસાસ થતા થોડી રાહત મળે છે. જ્યારે સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડી અનુભવાઈ રહી છે. હાલમાં વિષુવૃત્તીય પેસિફિક સમુદ્રમાં અલ નીનો સક્રિય છે. જેની અસરથી છેલ્લા થોડા દિવસથી હિમાલયના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે પવનનું જોર ઘટી ગયું છે. ઠંડક વર્તાશે પણ પવન ફૂંકાશે નહીં.
ક્યાં કેટલું તાપમાનઃ દાહોદ 12 ડિગ્રી, ગાંધીનગર 13.8 ડિગ્રી, અમરેલી 14.0 ડિગ્રી, નલિયા 14.7 ડિગ્રી, રાજકોટ 14.8 ડિગ્રી, અમદાવાદ 15.2 ડિગ્રી, વડોદરા 15.2 ડિગ્રી, ડીસા 16.1 ડિગ્રી, પોરબંદર 16.7 ડિગ્રી, ભાવનગર 17.0 ડિગ્રી, વલસાડ 17.0 ડિગ્રી, ભૂજ 17.8 ડિગ્રી, કંડલા 18.0 ડિગ્રી, સુરત 18.2 ડિગ્રી