અમદાવાદમાં ઉત્તરાયણના બે દિવસમાં અનેક લોકોએ પતંગની મજા માણી હતી. આ સાથે કેટલાક લોકો એવા પણ હતાં જેમણે નશાની મહેફિલ પણ માણી હતી. અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં ધાબા પર દારૂની પાર્ટી ગોઠવવામાં આવી હતી. હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી માટે ધાબા પર જ જાણે આખો બાર બનાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં. સમગ્ર બાબતની બાતમી મળતાં જ પોલીસે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન દારૂની બોટલ, હુક્કા, બાઈટીંગ સહિતની વસ્તુઓ જોવા મળી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 4 યુવતી સહિત 16 લોકોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કુશલ શાહ નામના વ્યક્તિએ આ પાર્ટી આયોજિત કરી હતી
અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં સ્થિત સેન્ટેરિયલ વિસ્ટાના ધાબા પર એક મોટા બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. જોરજોરથી ચાલી રહેલા ડીજે સાથે શરાબ અને શબાબની પાર્ટી જામી હતી. આ મહેફિલની પોલીસને બાતમી મળતાં જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ચાર યુવતી સહિત 16 લોકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એક બિલ્ડરના પુત્ર દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુશલ શાહ નામના વ્યક્તિએ આ પાર્ટી આયોજિત કરી હતી.
DJના ઉંચા અવાજ સાથે નશામાં ધૂત યુવકોએ ધમાલ શરૂ કરી
પોલીસ સુત્રોએ કહ્યું હતું કે, સેન્ટેરિયલ વિસ્ટાના ધાબા DJના ઉંચા અવાજ સાથે નશામાં ધૂત યુવકોએ ધમાલ શરૂ કરી હતી. જેના કારણે કંટાળેલા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં મેસેજ કર્યો હતો. આ કંટ્રોલ મેસેજને આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 4 યુવતીઓ સહિત 16 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 12 યુવક અને ચાર યુવતી નશો કરેલી હાલતમાં હોવાનું જણાતાં મેડિકલ ટેસ્ટની કાર્યવાહી કરી હતી.