સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ચારેક મહિનાથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું.આ આંદોલનને લઈને તાજેતરમાં જ 11થી વધુ ગામના આગેવાનો અને રાજકીય નેતાઓએ સરકાર સાથે બેઠક કરી હતી ત્યાર બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. હવે આ આંદોલનનો સુખદ અંત આવી ગયો છે.
લોકોના આંદોલનનો અંત આવ્યો
HUDAમાં સામેલ કરવામાં આવેલા ગામના લોકોના આંદોલનનો અંત આવ્યો છે. શહેર વિકાસ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને HUDAમાં સમાવાયેલા 11 ગામોને સત્તાવાર રીતે દૂર કરવાની જાહેરાત કરી છે. આ ગામોના ખેડૂતો દ્વારા હુડાનો આકરો વિરોધ કર્યો હતો. ખેડૂત પ્રતિનિધિઓ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં HUDAની કામગીરી સ્થગિત કરવા અને ગામોને દૂર કરવા અંગે થયેલી ચર્ચા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી 11 ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે.