બુધવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક મોટું માલવાહક જહાજ હુમલાનો શિકાર બન્યું. થાઈલેન્ડના ધ્વજ હેઠળ ચાલતું ‘મયુરી નારી’ નામનું આ જહાજ ભારત તરફ જઈ રહ્યું હતું. જહાજમાં કુલ 23 ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને થાઈ નૌકાદળે 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જોકે ત્રણ ખલાસીઓ હજુ પણ જહાજમાં હોવાનું કહેવાય છે અને તેમની હાલત વિશે સ્પષ્ટ માહિતી મળી નથી. હુમલા પછી જહાજમાંથી કાળો ધુમાડો ઊઠતો જોવા મળ્યો હતો. સાથે જ દરિયામાં લાઈફબોટ પણ તરતી જોવા મળી હતી, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ હતી. થાઈ નૌકાદળે જણાવ્યું છે કે હુમલાના કારણોની તપાસ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ સંગઠન અથવા દેશે તેની જવાબદારી સ્વીકારી નથી.
સમગ્ર વિસ્તાર હાલમાં અત્યંત સંવેદનશીલ બની ગયો
મયુરી નારી થાઈ કંપની પ્રેશિયસ શિપિંગ પીસીએલનું માલિકી ધરાવતું મોટું કાર્ગો જહાજ છે. માહિતી મુજબ, આ જહાજ યુએઈના એક બંદરેથી રવાના થયું હતું અને હુમલા સમયે ઓમાનના જળ વિસ્તારમાં હતું. ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સહકાર સાથે બચાવ અને સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. આજના દિવસે હોર્મુઝ સ્ટ્રેટ નજીક અન્ય બે જહાજો પર પણ હુમલા થયાની માહિતી મળી છે. ઈરાન તરફથી આ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ધમકીઓ અગાઉ આપવામાં આવી ચૂકી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર હાલમાં અત્યંત સંવેદનશીલ બની ગયો છે.
શિપિંગ અને વીમા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે
હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે ખૂબ મહત્વનો દરિયાઈ માર્ગ છે. આ સાંકડો જળમાર્ગ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વમાં વપરાતા લગભગ 20 ટકા તેલ અને કુદરતી ગેસનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને ઈરાક જેવા દેશો પોતાનું મોટાભાગનું તેલ આ જ માર્ગથી વિશ્વના બજારો સુધી પહોંચાડે છે. આ કારણે જો આ વિસ્તારમાં જહાજોની અવરજવર પર અસર પડે તો તેની સીધી અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા અને અર્થતંત્ર પર થઈ શકે છે. કેટલાક દેશોએ પહેલેથી જ ઈંધણના ભાવ વધારવાની સંભાવના વ્યક્ત કરી છે, કારણ કે વધતા જોખમને કારણે શિપિંગ અને વીમા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.