આગામી 21 જાન્યુઆરીથી નાગપુર ખાતે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી શરૂ થવાની છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ પણ નજીકમાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર બેટર તિલક વર્મા આગામી ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં નહીં રમી શકે. પાંચ મેચોની આ સિરિઝમાંથી તે બહાર થયો છે. તિલક વર્માની ઈજાથી ટીમના સિલેક્ટર્સમાં ચિંતાનો માહોલ છે. આગામી T20 વર્લ્ડ કપ પહેલા આ સિરિઝ મહત્વની માનવામાં આવે છે.
તેને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફી રમી રહ્યો હતો. આજે સવારે નાશ્તો કર્યા બાદ તેને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તેના વિવિધ રિપોર્ટસ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં Testicular Torsionની તબિબો દ્વારા પુષ્ટી કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેના કારણે તેની એક સર્જરી પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેની હાલત સ્થિર છે. લેફટ હેન્ડેડ બેટ્સમેન તિલક વર્મા છેલ્લા એક વર્ષથી ભારતીય T20 ક્રિકેટ ટીમમાં રમી રહયો છે. ટીમમાં નંબર ત્રણ પર બેટિંગ માટે તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
તિલક વર્માની સર્જરી સફળ રહી છે
બીજી તરફ BCCIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,તિલક વર્માની સર્જરી સફળ રહી છે.એવી આશા રાખવામાં આવી રહી છે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ સુધીમાં તે ફિટ થઈ જશે.હાલમાં પસંદગીકારો ન્યુઝીલેન્ડ શ્રેણી માટે તિલકના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી શકે છે.