નવી દિલ્હીઃ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ઓપરેશનલ વિક્ષેપ સતત સાત દિવસ સુધી યથાવત રહ્યા. જેના પરિણામે સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, મુસાફરોની તકલીફ દિવસે દિવસે વધી રહી છે. ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને સોમવારે સાંજે 6 વાગ્યા સુધી જારી કરાયેલ કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે સમયમર્યાદા લંબાવી છે. મુસાફરો અઠવાડિયાથી ઈન્ડિગોથી પરેશાન થયા છે.
1600 ફ્લાઈટ રદ્દ કરી દેવાઈ
તારીખ 2 ડિસેમ્બરથી સતત થઈ રહેલા કેન્સલેશનને કારણે મુસાફરો અને સરકાર બંનેનો ગુસ્સો વધી રહ્યો છે. એરલાઈને આ માટે પાઈલટો સંબંધિત નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમો જવાબદાર ગણાવ્યા છે, જેના કારણે દેશભરના લાખો મુસાફરો પ્રભાવિત થયા છે. પહેલા ત્રણ દિવસ સુધી, ઈન્ડિગોએ પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી ન હતી, શુક્રવારે એરલાઈને રેકોર્ડ 1,600 ફ્લાઇટ્સ રદ કરી. આ પછી, સીઈઓ આલ્બર્સે મુસાફરોની માફી માંગતો વીડિયો સંદેશ જારી કરવો પડ્યો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરાયેલા નવા નિયમો 1 જુલાઈથી 1 નવેમ્બર સુધી તબક્કાવાર અમલમાં આવ્યા. ઈન્ડિગોને 10 ફેબ્રુઆરી સુધી નિયમોના બીજા તબક્કાના અમલીકરણથી કામચલાઉ રાહત આપવામાં આવી છે.
નવી માર્ગદર્શિકાની વાત
નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈઓમાં પાઇલટ્સ માટે 48 કલાકનો સાપ્તાહિક આરામનો સમયગાળો શામેલ છે. રાત્રિ ફ્લાઇટ્સની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે અને રાત્રિ ઉતરાણની સંખ્યા છથી ઘટાડીને બે કરવામાં આવી છે. શરૂઆતમાં ઇન્ડિગો અને ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા સહિત ઘણી સ્થાનિક એરલાઇન્સ દ્વારા આ નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ DGCA એ તેમને તબક્કાવાર રીતે લાગુ કર્યા, જેમાં કેટલીક એરલાઈન્સ માટે મર્યાદિત ફેરફારો કરવામાં આવ્યા. આ નિયમો મૂળ માર્ચ 2024 માં અમલમાં આવવાના હતા, પરંતુ એરલાઈન્સે વધારાના પાઈલટોની જરૂરિયાત દર્શાવીને ધીમે ધીમે અમલીકરણની માંગ કરી હતી.