ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) દ્વારા IPL 2026ની શરૂઆતની 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલી માહિતી મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે થશે. પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ IPLની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટની શરૂઆત બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.
શેડ્યૂલ મુજબ 16 દિવસ દરમિયાન કુલ 20 મેચ રમાશે
પ્રથમ તબક્કાના શેડ્યૂલ મુજબ 16 દિવસ દરમિયાન કુલ 20 મેચ રમાશે, જેમાં ચાર ડબલ હેડરનો પણ સમાવેશ થાય છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમશે.આ વખતના શેડ્યૂલની જાહેરાત પણ બે તબક્કામાં કરવામાં આવી રહી છે. IPLના બાકીના મેચોના કાર્યક્રમની જાહેરાત ચૂંટણીની તારીખો જાહેર થયા પછી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2008માં IPL શરૂ થયા બાદ જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણી અથવા કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હોય ત્યારે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ઘણીવાર બે તબક્કામાં જાહેર કરવામાં આવ્યું છે.