ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ઓઇલ ટેન્કર પર થયેલા મિસાઇલ હુમલામાં દીવના 25 વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ અવસાન થયું છે. આ ઘટનાથી મૃતકના પરિવાર તેમજ ખારવા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માહિતી અનુસાર, ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં MT સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. જહાજ પર કુલ 21 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે. હુમલા સમયે દીક્ષિત સોલંકી જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લેવાની ફરજ પર હતો.
જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી
મિસાઇલ અથડાતા જ એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી. ગંભીર ઇજાઓને કારણે દીક્ષિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલા બાદ નજીકમાં રહેલા MV SAND જહાજ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને બાકીના 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હાલ ક્ષતિગ્રસ્ત જહાજ પર રોયલ નેવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. દીક્ષિત સોલંકી મૂળ દીવના ભાવસારવાડાનો રહેવાસી હતો, જોકે તેનો પરિવાર હાલમાં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહે છે. તે અપરિણીત હતો. દુઃખદ વાત એ છે કે, માત્ર એક મહિના પહેલા જ તેની માતાનું અવસાન થયું હતું. માતાના વિયોગમાંથી પરિવાર સંભળી શકે તે પહેલા જ દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.