જૂનાગઢમાં ચાલી રહેલા કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ શાંત થઈ છે. સમાધાન પ્રસંગે કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું, જ્યારે બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. પ્રસંગે કીર્તિએ જણાવ્યું કે, “ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો.” તેમણે ઉમેર્યું કે, પોતાના ગુરુનું માન-સન્માન જળવાઈ રહે અને સનાતન ધર્મ પર કોઈ કલંક ન આવે તે માટે સાધુ-સંતો સાથેનો વિવાદ સમાપ્ત કરવામાં આવ્યો છે.આ સમાધાન પછી ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.
સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન
ઉલ્લેખનીય છે કે, મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બાપુના ઇશારે જ તેમને કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તે અંગે પુરાવા જાહેર કરવાની પણ વાત કરી હતી. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે અન્ય લોકો સ્નાન કરતા હોવા છતાં માત્ર તેમને જ કેમ નિશાન બનાવવામાં આવ્યા? આ મામલે જૂનાગઢમાં તેની સામે ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ 22 ફેબ્રુઆરીએ કીર્તિ પટેલને જૂનાગઢ લાવવામાં આવી હતી. 23 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખંડણી કેસમાં કોર્ટ દ્વારા કીર્તિના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.સમાધાન બાદ હવે સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.