જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ખાસ ગણાતા આપના પ્રમુખ સામે થોડા સમય પહેલા એટ્રોસિટી અને છેડતી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વિસાવદરમાં મગફળી કેન્દ્ર પર બબાલ થતાં શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેમની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેમણે જેલમાં પણ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો.
સતત એક બાદ એક ગુના દાખલ થતાં ચકચાર મચી
આ કેસમાં હજુ બે દિવસ પહેલા જ આપના પ્રમુખ જેલમાંથી છુટ્યા હતાં અને તેઓ વિસાવદરની હદ બહાર હતાં. વિસાવદર તાલુકામાં જવા પર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ હરેશ સાવલિયાને પાસા હેઠળ ઉઠાવી લીધા હતાં. પાસા હેઠળ ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવાયા હતાં. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર સતત એક બાદ એક ગુના દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. તેમને સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાતા રાજકીય માહોલ ગરમ થયો છે.