Ahmedabad: આ વખતે શુભ મુર્હુતોમાં ગુજરાતમાં ભારે લગ્નોત્સવ યોજાયા હતા. આજથી (તા.16 ડિસેમ્બરથી) ધનારક કમુર્હુતાનો પ્રારંભ થઇ ગયો છે. હવે એક મહીના સુધી લગ્નોત્સવ સહિતના કોઇપણ જાતના શુભ પ્રસંગો થશે નહીં. સારા કાર્યો ઉપર બ્રેક લાગી ગઇ છે. આ દિવસો દરમ્યાન શાકંભરી નવરાત્રી, પુત્રદા એકાદશી, માં અંબાજી પ્રાગટયોત્સવ, અંગારકી ચોથ અને મકરસંક્રાંતિ જેવા પર્વની આસ્થા સાથે ઉજવણી થશે.આ એક મહીના દરમિયાન વાડી, પાર્ટી પ્લોટ, સાંસ્કૃતિક હોલ અને હોટેલ્સ કે જ્યાં લગ્નનું આયોજન થતું એ ખાલીખમ્મ રહેશે.

હવે 5 ફેબ્રુઆરી સુધી શુભ પ્રસંગો નહીં
ફેબ્રુઆરીની તા. 5 તારીખ સુધી કોઇપણ પ્રકારના શુભ પ્રસંગો થઇ શકશે નહીં. જો કે કેટલાક લોકો વિધી કરાવીને તા. 2 ફેબ્રુઆરીથી લગ્નોત્સવ શરૂ કરવાના મૂડમાં છે. ડિસેમ્બરમાં લગ્નના મુર્હુત હતાં પરંતુ, હવે જાન્યુઆરીની તા.14 સુધી કમુર્હુતા હોવાથી કોઇપણ પ્રકારના સારા કામો થઇ શકશે નહીં માગસર વદ-12ને તા. 16 ડીસેમ્બરના રોજ આજથી વ્હેલી સવારના 4.20 થી સુર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને હવે ધનારક કમુર્હુતાનો પ્રારંભ થયો છે, જે તા.14ના રોજ બપોરે 3.08 મિનિટે પૂરા થશે.

જુલાઈ મહિના સુધીની શુભ તારીખ
આમ જોઇએ તો વર્ષમાં બે મહીના કમુર્હુતા આવે છે જયારે શુક્ર ગુરૂ ગ્રહની રાશીમાં હોય ઘનારક કમુર્હુતા અને બીજા મીનારક કમુર્હુતા જયોતિશાસ્ત્ર પ્રમાણે આવે છે. જયારે સુર્ય ગુરૂની રાશીમાં આવે ત્યારે ગુરૂ તેનું બળ ગુમાવે છે આથી કમુર્હુતા દરમ્યાન લગ્ન તથા વાસ્તુના કાર્ય થતાં નથી, જો કે હવે કમુર્હુતા આવી ગયા હોવાથી ઢોલીઓને પણ આરામ રહેશે. ધન રાશીનો સુર્ય શુભ માનવામાંરહેશે, માત્ર સામાન્ય પ્રસંગો જ થશે. લગ્ન સીઝન સાથે એક આખી બિઝનેસ ઈન્ડસ્ટ્રી સંકળાયેલી હોય છે. કપડાંની ખરીદીથી લઈને પંડિત, મહારાજ અને કર્મકાંડી ભૂદેવોનો માગ રહે છે. માર્કેટમાં રોકડ ફરે છે એમાં લગ્ન પ્રસંગ મોટો ભાગ ભજવે છે. લગ્ન પ્રસંગ, વાસ્તુ, દુકાનના ઉદ્દઘાટન સહિતના શુભ કાર્યો ઉપર એક મહીના સુધી બ્રેક રહેશે. ફેબ્રુઆરીની મહિનામાં તા.5 થી 11, 12, 13, 20 થી 22, માર્ચ મહીનામાં તા.5 થી 12, 14, એપ્રિલ મહીનામાં તા.26, 27 થી 30, મે મહીનામાં તા.1, 3, 6 થી 10 તેમજ 14, જુન મહીનામાં તા. 22, 24 અને 26 થી 29 તેમજ જુલાઇ મહીનામાં તા.1, 3, 4, 7 થી 9 લગ્ન માટેના શુભ મુર્હુત ગણી શકાય.