વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
IPSના આશિર્વાદથી PSIના ખાનગી માણસોનો હાહાકાર
આમતો ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ છે. પરંતુ આ હુક્કાબાર બંધ કરાવવાની જેની જવાબદારી છે તેવા જ એક બેજવાબદાર PSI હુક્કાબારમાં ભાગીદાર છે. તેમને પોતાના પર ડાગ ના લાગે તે માટે તેમણે કુલના દીપને પોતાનો પાવર આપી દીધો હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ છે. ચોરઅડદિયાની જેમ ખાનગી માણસને પોલીસ કર્મચારીની જેમ જ પોતાની સાથે જ રાખે છે. જો કે, ચા કરતાં કીટલી વધારે ગરમ હોય તેમ સાહેબ કરતાં તેમનો ખાનગી માણસ ખૂબજ પાવરમાં હોય છે. અને તે ખાનગી વ્યક્તિ હોવા છતાં પોલીસ હોવાના સપનામાં જ હંમેશા રાચતો હોય છે. એસજી હાઈવે પર આવેલા સાહેબના આ હુક્કાબાર પર મોટા મોટા ખેલ પડતા હોવાની પણ પોલીસ બેડામાં જોર શોરથી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, આ PSIના આકા પણ એક IPS અધિકારી હોવાની ચર્ચા ચાલી રહી છે. IPSના નામે આ PSI અને તેના માણસોએ આખા શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. ક્રિકેટ સટ્ટા હોય, કોલ સેન્ટર અથવા અન્ય કોઈપણ બે નંબરના ધંધા ચાલતા હોય ત્યાં આ PSI અને તેમના ખાનગી માણસો મોટી ધાપ મારી લેતા હોવાની ચર્ચાઓ પોલીસબેડામાં ચાલી રહી છે. તેમનો ખાનગી માણસ પણ પોલીસ કર્મચારીની ઓળખ આપીને બધે દરોડા પાડતો હોવાની પણ ચર્ચાઓ છે. શહેરની એક એજન્સીમાં આ PSI અને તેમના કહેવાતા ગુરૂજી બંને ફરજ બજાવતા હોવાથી અન્ય સ્ટાફમાં ઘણો કચવાટ છે. પરંતુ શિસ્તના કારણે અન્ય પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ મગનું નામ મરી પણ પાડી શકતા નથી.
નવરંગોથી પૂરેપૂરા સજાયેલા પોલીસ સ્ટેશનના જીતુની જ જીત
અમદાવાદ શહેરના એક ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા તેમજ વિવિધ કોલેજો ધરાવતા બે અલગ અલગ વિસ્તારમાં જીતુની જ જીત થતી હોવાની પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. હાઈવે પર આવેલા એક પૂર્વ અને શહેરના પશ્ચિમના મધ્ય વિસ્તારમાં મંડોરાના જ ડંકા વાગતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. નવરંગોથી પૂરેપૂરા સજાયેલા પોલીસ સ્ટેશનના જીતુની જ હંમેશા જીત થતી હોય છે. આ ઉપરાંત જેનો ક્યારેય ના રોલ હોય તેવા પોલીસ સ્ટેશનમાં મંડોરાની જ ચાલ ચાલી રહી છે. નવરંગથી રંગીન પોલીસ સ્ટેશનમાં અગાઉ જીતુ અને હરપાલની જોડીએ જય અને વિરુની જોડીની જેમ હાહાકાર મચાવ્યો હતો. પરંતુ બંને મિત્રોની વહિવટમાં પ્રગતિ થઈ હોવાથી હવે બંને અલગ પડી ગયા છે અને બંનેને અલગ અલગ સ્વતંત્ર પોલીસ સ્ટેશનના મોટા હવાલા મળી ગયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. જો કે હજી પણ નવરંગમાં જીતુના જ સુર રેલાઈ રહ્યાં હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી છે. ઘણા વર્ષોથી તેણે પોતાના સામ્રાજ્યને નવરંગની જેમ જ જાળવી રાખ્યું છે. આ વિસ્તાર આમતો પોશ વિસ્તાર ગણાય છે. અહીં ઘણી સારી સારી હોટેલો આવેલી છે. તેમજ આ વિસ્તારમાં કોલ સેન્ટરીયાઓએ અગાઉ અડ્ડાઓ જમાવી દીધા હતાં. હજુ તેની શાહી સુકાતી નથી. તો શું મંડોરાના ડોળાને કોઈ કાબુમાં લઈ શકશે કે કેમ તેવી ચર્ચાઓ ચાલી રહી છે
હર પાલ હંમેશા નગરના આનંદમાં રહે છે
શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનનો હંમેશા પોલીસ કર્મચારી આનંદના નગરમાં જ રહે છે. આ વિસ્તાર આમતો શાંત માનવામાં આવે છે પરંતુ હર પાલ આવે એટલે થોડોક અશાંત થઈ જતો હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે. જો કે, હર ના પાલ એટલા માટે હંમેશા આનંદમય હોય છે કારણ કે, તેના ભાઈના તેના માથે ચાર હાથ હોય છે. પશ્ચિમ વિસ્તારના આ પોલીસ સ્ટેશનના વહિવટદારનો સગો ભાઈ શહેરના જ એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાથી હર પાલ આનંદમાં જ રહે છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હરનો પાલ અગાઉ નવરંગમાં શૂરાપૂરાની જેમ તેના અન્ય જોડીદાર સાથે છવાયેલો રહેતો હતો. તેને ત્યાં પણ પોતાના ખિસ્સા ગરમ કર્યા હતાં. જો કે, આ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ આનંદમાં રહે છે કે કેમ તે બાબતે શંકા કુશંકાઓ પોલીસ બેડામાં જ ચાલી રહી છે. ભાઈ પોલીસ ઈન્સપેક્ટર હોવાના કારણે વહિવટ લેવામાં હરને સરળતા રહે છે. કારણ કે, પોલીસ ઈન્સપેક્ટર સાહેબ પોતાના ભાઈને ખિસ્સામાં ગાંધીજી વધારે દેખાય તે માટે તેમના બેચમેટ અને મિત્રોને ભલામણ કરીને વહિવટ પણ અપાવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. આ વિસ્તારમાં ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, મોટા મોટા ડોક્ટરો, બિલ્ડરો જેવારહે છે. જેથી સાહેબને કેટલીકવાર તો લોટરી લાગી જતી હોવાની ચર્ચાઓ પણ પોલીસ બેડામાં થઈ રહી છે.