મહીસાગરના બાલાસિનોરમાં એક વિદ્યાર્થીને મંદિરમાં ચોરી કરવાના આરોપ હેઠળ પોલીસ સ્ટેશનના PI દ્વારા ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 13 વર્ષના બાળકને માર મારવામાં આવતા બે ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા PI સામે ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોએ જિલ્લા પોલીસ વડા સાથે વાત કરીને પીઆઈ સામે ફરિયાદ લેવા માગ કરી છે. આ સમગ્રે કેસની તપાસ DySP પી.ચૌધરીને સોંપવામાં આવી છે.
પીઆઈ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો
બાળકને માર મારવાના કેસમાં પીઆઈ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની તપાસમાં DySPએ મંદિર તેમજ પોલીસ સ્ટેશનના CCTV મેળવ્યા છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ભોગ બનનાર વિધાર્થીને ન્યાય અપાવવા બાયડના ધવલસિંહ ઝાલા તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બંને ધારાસભ્યોએ જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરી હતી. ભોગ બનનાર વિદ્યાર્થી મંદિરમાં સેવા આપતો હતો. આ મંદિરમાં ચોરી થતાં વિદ્યાર્થીની અટકાયત કરાઈ હતી. પીઆઈએ તેને ચોરીની શંકાના આધારે માર માર્યો હતો. પીઆઈએ માર મારતાં વિદ્યાર્થીને ચાલવામાં તકલીફો થઈ રહી છે. શું આ પીઆઈ સામે કાયદાનો સકંજો કસાશે કે પછી ભીનું સંકેલાશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.