મહેસાણા જિલ્લાના કટોસણ ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટના બાદ પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ પર એક બુટલેગર દ્વારા ચલણી નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટના સામે આવતા જિલ્લા પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે. માહિતી મુજબ 6 માર્ચે કટોસણ ગામમાં આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામજનો દ્વારા સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. વરચંદને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા પીઆઈનું મંચ પરથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પરંતુ કાર્યક્રમ દરમિયાન જ એવી ઘટના બની કે જેના કારણે સમગ્ર મામલો વિવાદમાં આવ્યો. પીઆઈ મંચ પર હાજર હતા ત્યારે અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બે બુટલેગરોએ તેમના પર જાહેરમાં ચલણી નોટો ઉડાડી દીધી હતી. આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે પોલીસ તંત્ર પર અનેક પ્રશ્નો ઊભા થયા.વીડિયો વાયરલ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરવાની સૂચના આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લગભગ સાડા ત્રણ મહિનાથી ત્યાં ફરજ બજાવી રહેલા પીઆઈ એમ.એમ. વરચંદને 9 માર્ચે બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તરત જ વિભાગીય પગલાં લેવામાં આવ્યા
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં કટોસણ ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સાંથલ પોલીસ મથકના પીઆઈ હાજર હતા. તે સમયે સ્ટેજ પર કેટલાક લોકોએ તેમના પર ચલણી નોટો ઉડાડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા તરત જ વિભાગીય પગલાં લેવામાં આવ્યા છે અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ચાલુ છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.