નવી દિલ્હીઃ વર્ષ 2025 પૂર્ણ થવામાં છે અને નવા વર્ષને વધાવવા માટે યુવાધન તૈયાર છે. એવામાં એક વર્ગ ક્રિસમસની (Christmas Holiday) રજામાં ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. નવા વર્ષની ઉજવણી કોઈ ડેસ્ટિનેશન પર જઈને કરે છે.જે માટે એડવાન્સ બુકિંગ કરાવવામાં આવે છે. ડિસેમ્બર મહિનો આમ પણ ટ્રાવેલિંગ મંથ તરીકે ઓળખાય છે. દિવાળીના તહેવારોની રજા કરતા ડિસેમ્બર મહિના માટે થતા બુકિંગ આ વખતે વધારે થયા છે. યાત્રા ઓનલાઈનના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ભરત મલિકના જણાવ્યા અનુસાર ક્રિસમસ વેકેશન હવે ભારતમાં પણ જોવા મળે છે. લાંબી રજા હોવાને કારણે બુકિંગ વધ્યું છે.

આબુ, રાજસ્થાન હોટ ફેવરિટ
હોટેલ બુકિંગની માંગમાં પણ વધારો થયો છે. હોટેલ ઓક્યુપેન્સી એક જ મહિનામાં વધી છે. એક જ મહિનામાં 30 ટકાનો વધારો થયો છે. જેમાં ગોવાથી લઈને શિમલા સુધીની હોટેલમાં બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. દેશભરના પર્યટન સ્થળો તથા ધાર્મિક સ્થળે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ગુજરાતમાંથી ઘણા પરિવારોએ માઉન્ટ આબુ, રાજસ્થાનમાં ઉદયપુર, નાથદ્વારા અને જેસલમેર માટે બુકિંગ કરાવ્યું હોવાનું જાણવા મળે છે. આ પરિવારો પોતાના ફ્રેન્ડ અને ફેમિલી સાથે નવા વર્ષની ઉજવણી ઘરથી દૂરના ડેસ્ટિનેશન પર કરશે. ગુજરાતમાંથી જતા પરિવારો, ફ્રેન્ડ તથા કોર્પોરેટ ટુરની પસંદગી આ વખતે જેસલમેર, નાથદ્વારા, ઈન્દૌર પર વધુ રહી છે. બીજી તરફ ગુજરાતમાં જ જ્યાં લીકરની છૂટ છે એવા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ન્યૂયર પાર્ટીનું અરેન્જમેન્ટ થઈ ચૂક્યું છે. અહીં પણ હોટેલ બુક છે અને સાંજ પડતાં જ રેસ્ટોરાં ફૂલ જોવા મળી રહ્યા છે.

લોકોનું આકર્ષણ વધ્યું
બીજી તરફ શિમલા, દહેરાદૂન, દિલ્હી જેવા શહેરોમાં પ્રવાસીઓ વધ્યા છે. મલિકે ઉમેર્યું હતું કે, દરિયાકિનારો, ટેકરીઓ, પહાડ, રણ અને મેગા સિટી તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. આ મહિને હોટેલ બુકિંગની ટકાવારીમાં 11 ટકાનો મોટો વધારો થયો છે. ઈન્ડિયા લેવલે વાત કરવામાં આવે તો જીમ કોર્બેટ પાર્ક, પુડુંચેરી, આગ્રા તથા જયપુર જેવા સ્થળ પર પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. ટૂંકા ગાળાનો સમય હોય ત્યારે લોકો નજીકના સ્થળને પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ ગોવામાં 31 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર નાતાલની જોરદાર ઉજવણી થાય છે. ગોવાના એરફેરમાં પણ વધારો થયો છે. જે વધારો સામાન્ય દિવસ કરતા ચારગણો વધારે છે.