અમદાવાદઃ ઉમંગ, ઉત્સાહ અને નવી આશાઓ સાથે 2026નું નવું વર્ષ ગુજરાતમાં ભવ્ય રીતે શરૂ થયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. થર્ટી ફર્સ્ટની રાત્રે શહેરભરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદમાં સિંધુભવન રોડ અને સીજી રોડ પર લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો.

મહાનગરમાં ઉજવણીનો માહોલ
રાત્રે બાર વાગ્યાનો સમય થતાની સાથે જ ફટાકડાઓથી આકાશ ઝળહળી ઉઠ્યું અને દિવાળી જેવી રોશની જોવા મળી. સીજી રોડ પર ભીડ એટલી વધી ગઈ હતી કે ચાલવું પણ મુશ્કેલ બન્યું. મુખ્ય માર્ગો બંધ હોવાના કારણે વૈકલ્પિક રસ્તાઓ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. અમદાવાદીઓએ પરિવાર સાથે રસ્તાઓ પર નવા વર્ષની ઉજવણી કરી, જ્યારે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવાનો ડીજેના તાલે થિરકતા જોવા મળ્યા.

ઉત્સવમય શહેરો
સમગ્ર શહેરમાં ઉત્સવમય વાતાવરણ છવાયેલું હતું. સુરત શહેરમાં સુરતીઓએ નવા વર્ષનું સ્વાગત પોતાની આગવી ઓળખ સાથે કર્યું. ડુમસ રોડ, વેસુ અને અડાજણ જેવા વિસ્તારોમાં હજારો લોકો રસ્તાઓ પર એકત્ર થયા હતા. આતશબાજી, સંગીતના તાલે ગરબા અને મોડી રાત સુધી ખાણીપીણીની મજા સાથે નવા વર્ષને ઉમંગભેર વધાવવામાં આવ્યું.

સુરતમાં શિસ્તબદ્ધ રીતે ઉજવણી
યુવાધને શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરી “સુરતી લાલા” હોવાની છાપ છોડી હતી. ક્યાંક સામાજિક સંદેશાઓ સાથે તો ક્યાંક સમૂહગાન દ્વારા એકતા અને આનંદનો સંદેશો આપવામાં આવ્યો, જેના કારણે સુરતની રાત યાદગાર બની ગઈ. વડોદરામાં પણ નવા વર્ષના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શહેરના ફતેગંજ વિસ્તારમાં લાલચર્ચ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાર વાગ્યે બેલ વગાડી 2026નું સ્વાગત કરવામાં આવ્યું.
વડોદરાના યુવાધનમાં ઉત્સાહ
શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીઓમાં યુવા હૈયાઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. બાર વાગતા જ હેપ્પી ન્યૂયર કરીને લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. મોડી રાત સુધી રસ્તા પર લોકો જોવા મળ્યા હતા. ટ્રાફિક જામ ન થાય એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત લાગુ કર્યો હતો. ખાસ કરીને જાહેર સ્થળે કોઈ અનિચ્છનિય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખી હતી.