પાટણ જિલ્લાના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનું હિંસક ટોળું ત્રાટક્યું હતું અને અંદાજે 20થી વધુ લુખ્ખાઓએ લાકડીઓ અને હથિયારો સાથે ફાર્મ હાઉસ પર હુમલો કરી તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચી ત્યારે આ ટોળાએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. જેથી પોલીસ અસામાજિક તત્વોના ડરથી મેદાન છોડીને ભાગી ગઈ હતી. જાહેરમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વોને કારણે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા હતાં.આ ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે એક PI, બે ASI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતાં. જ્યારે પાંચ જીઆરડી જવાનોની હકાલ પટ્ટી કરવામાં આવી છે.
ફાર્મમાં તોડફોડ કરી આતંક મચાવ્યો
આ સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી પરેશ રેણુંકાએ કહ્યું હતું કે, હુમલાખોરો હથિયારો સાથે આવ્યા હતાં અને પોલીસનો સ્ટાફ પૂરતો નહોતો. જેથી પોલીસ ત્યાંથી વધુ સ્ટાફ મેળવવા માટે રવાના થઈ હતી. પોલીસ ફરીવાર ઘટના સ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો ત્યાંથી રવાના થઈ ગયા હતાં. ફાર્મ હાઉસ પર આ હુમલો રામાપીર મંદિરના નિર્માણ માટે દાન ઉઘરાવવા બાબતે થયો હતો. 20 જેટલા શખ્સોએ ધારિયા, તલવારો અને લાકડીઓ વડે ફાર્મમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
પોલીસનું ભાગવું કેટલે સુધી યોગ્ય કહી શકાય
એક અઠવાડિયામાં બે હત્યાઓ અને હવે પોલીસની હાજરીમાં જ પોલીસનું ભાગવું એ પાટણ જિલ્લામાં લુખ્ખાતત્વોના વધેલા મનોબળને દર્શાવે છે. બુટલેગરો અને હિસ્ટ્રી શીટરોમાં હવે પોલીસનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પોલીસ પર સતત થઈ રહેલા હુમલાથી લોકોમાં સવાલો ઉભા થયાં છે કે, જો સુરક્ષા કરનારાને જ સુરક્ષાની જરૂર હોય તો જનતા કોના ભરોસે જીવશે.