હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી MA સેમેસ્ટર-3ની પરીક્ષામાં મહેસાણાની એક ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરે 200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાંચવાની તસ્દી લીધા વગર જ, માત્ર પોતાની ગણતરીની સરળતા માટે ‘રેવડી’ની જેમ એકસરખા ગુણ પધરાવી દીધા હતા. આ ગંભીર લાપરવાહી પકડાતા જ યુનિવર્સિટીએ લાલ આંખ કરી પ્રોફેસરને પરીક્ષાની તમામ કામગીરીમાંથી આજીવન બરતરફ કરી વધુમાં કાર્યવાહી માટે તપાસ બેસાડી છે. આગામી સમયમાં કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
મામલો કુલપતિ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MA સેમ 3 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ના મૂલ્યાંકન કયા બાદ તેનું મોનિટરિંગ કરવા માટે મૂકાયેલા ચેરમેન પાસે ઉત્તરવહીઓનું સરવૈયું આવતા ગુણમાં રહેલી અસમાનતા અને શંકાસ્પદ એકરૂપતા પકડી પાડી હતી. ચેરમેને જ્યારે માનવતાના ધોરણે પ્રોફેસરને આ ભૂલ સુધારવા અને ન્યાયી મૂલ્યાંકન કરવા ટકોર કરી, ત્યારે પ્રોફેસર સુધરવાને બદલે ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતા. પ્રોફેસરે ખુલ્લેઆમ ધમકીભર્યા સૂરે કહ્યું હતું કે, હું તો આવી રીતે જ પેપર જોઉં છું, તારાથી જે થાય એ કરી લેજે!” આ ઉદ્ધતાઈભર્યા શબ્દોએ યુનિવર્સિટીના શિસ્તના લીરેલીરા ઉડાવ્યા હતા.આ મામલો કુલપતિ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ગંભીર ક્ષતિઓ અને બેદરકારીના પુરાવા મળી આવ્યા
તાત્કાલિક તપાસ કમિટી રચવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં જ પ્રોફેસરની ગંભીર ક્ષતિઓ અને બેદરકારીના પુરાવા મળી આવ્યા હતા. ગ્રાન્ટેડ કોલેજના જવાબદાર પદ પર હોવા છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર આ પ્રોફેસર પર યુનિવર્સિટીએ કાયમી પ્રતિબંધનો કોરડો વીંઝ્યો છે. હવે બીજી બેઠકમાં તેમને કેવી આકરી સજા કરવા અંગે નિર્ણય લેવાશે. યુનિ.માં આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જો ચેરમેન દ્વારા યોગ્ય રીતે નિરીક્ષણ ના કરે તો આવા કેટલાક બેદરકાર પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી શકે છે.
તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થયો
આ મામલે કુલપતિ ડૉ. કે. સી. પોરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ કર્મચારીની તરફેણમાં નથી. જેવી ગેરરીતિ હશે તેવી જ કડક કાર્યવાહી થશે. પ્રવેશ હોય કે પરિણામ, હવે દરેક સ્તરે પારદર્શિતા રહેશે અને બેદરકાર પ્રોફેસરો સામે કડકમાં કડક દાખલો બેસાડવામાં આવશે.પ્રોફેસરે દરેક ઉત્તરવહી ખોલી તો હતી, પરંતુ તે માત્ર ‘દેખાવ’ પૂરતું જ હતું. પ્રશ્નોના ઉત્તર વાંચવાની તસ્દી લીધા વગર જ, પોતાના ગુણના સરવાળામાં સરળતા રહે તે માટે તમામ છાત્રોને 12 કે 13 ( અંદાજિત આંકડો) ગુણ આડેધડ પધરાવી દીધા હતા. મોનિટરિંગ ચેરમેને જ્યારે આ ‘એકસરખા આંકડા’ પકડ્યા અને સુધારવા માટે 3 વાર બોલાવ્યા ત્યારે પણ પ્રોફેસરના અહંકારમાં ઓટ નહોતી આવી. તેમણે નિર્લજ્જતાથી કહી દીધું કે હું તો આવી રીતે જ પેપર જોઉં છું.બેદરકારી નથી.તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થયો હતો.