ગુજરાતમાં ભાગીને લગ્ન કરનારી દીકરીઓને પરત લાવવા માટે પાટીદાર સમાજે કમર કસી છે. પાટણ જિલ્લાના ચાણસ્માના મણિયારી ખાતે યોજાયેલા 84 કડવા પાટીદાર સમાજ દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે. આ સંમેલનમાં પાટીદાર સમાજની ત્રણેક હજાર મહિલાઓ જોડાઈ હતી. પાઘડીની લાજના નામે આ સંમેલન યોજાયું હતું. પાટીદાર સમાજની દીકરીઓએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ મુંઝવણમાં મુકાઈ હોય અને પરત આવવા માંગતી હોય તો તેમનો સંપર્ક કરીને તેમને પરત લાવી સન્માન જાળવવા પહેલ કરવામાં આવી છે. પાટીદાર સમાજ દ્વારા ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવાનો પ્રયાસ કરાશે.
દીકરીઓને સમજાવીને તેમની ભૂલોને માફ કરશે
પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરીને ગયેલી દીકરીઓને સમજાવીને તેમની ભૂલોને માફ કરશે. ભાગી ગયેલી દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે. આ દીકરીઓમા રહેલો સમાજનો ડર દૂર કરાશે. દીકરીઓ અને સમાજની મહિલાઓની જાગૃતિ માટે પાટીદાર સમાજે પહેલ કરી છે. પાઘડીની લાજના નામે હવે ઠેર ઠેર સંમેલન યોજાશે. તાજેતરમાં જ પાટીદાર સમાજે ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે સરકાર સાથે બેઠક કરી હતી અને તેમાં સુધારા કરાવવાની માગ કરી હતી.