સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર ગામમાં ગૌશાળાના લાભાર્થે ટિકિટના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ ડ્રો નહીં યોજાતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. તરણેતર ગામમાં લાખોના ઈનામોનો ડ્રો થવાનો હતો. જે નહીં થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગૌશાળાના લાભાર્થે499 રૂપિયાની એક ટિકિટ એવી લાખો ટિકિટ વેચીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતાં.
બુલેટ અને બાઈક સહિતના ઈનામો રાખવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના તરણેતર ગામમાં ગૌશાળાના લાભાર્થે ઈનામી ડ્રો રાખવામાં આવ્યો હતો. 499ની એક ટિકિટ એવી લાખો ટિકિટો વેચીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતાં. આ ઈનામી ડ્રોમાં અનેક મોટી કંપનીની કાર, બુલેટ અને બાઈક સહિતના ઈનામો રાખવામાં આવ્યા હતાં. લોકોએ પૈસા ભરીને ઈનામી ડ્રોની ટિકિટો ખરીદી હતી. પરંતુ આ ડ્રો નહીં થતાં લોકોએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. બીજી બાજુ પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો.
પોલીસ આવી પોહોચતા લોકોમાં નાસભાગ મચી હતી
પોલીસે મોડી રાત્રે આયોજકોને ઘટના સ્થળ પરથી લઈ જતાં લોકોએ પોલીસની જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આયોજકોએ ડ્રો નહીં કરતાં લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતાં સ્થળ પર હજારો લોકો ભેગા થઈ ગયા હતાં. લોકોએ હોબાળો કરતાં પોલીસ આવી હતી અને લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી.