પોરબંદરઃ પોરબંદરમાં ત્રણ ત્રણ મહિનાથી પાસપોર્ટ નહી નીકળતા અરજદારો હેરાન-પરેશાન થયા છે. પોસ્ટ ઓફિસ ખાતે થતી ઓનલાઇન કાર્યવાહીમાં ક્ષતિઓ રહી જતી હોવાની ઉચ્ચક્ક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં કોઈ નિવેડો ન આવતા અરજદારો મુશ્કેલીમાં મૂકાયા છે. વિદેશ જવા માંગતા લોકો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે. પોરબંદર પોસ્ટ તંત્રના પાપે ઘણાય અરજદારોના વિદેશ જવાના ગ્રહો ફરી જાય છે.
ત્રણ-ત્રણ મહિનાથી પાસપોર્ટ નીકળ્યા નહી હોવાથી વિદેશ જવા ઇચ્છુક અનેક યુવક યુવતીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ઉચ્ચકક્ષાએ ફરિયાદ થઇ છે. પોરબંદરના સામાજિક અગ્રણી બાબુભાઇ પાંડાવદરાએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોરબંદરની પોસ્ટઓફિસ ખાતેથી પાસપોર્ટ કાઢી આપવાની કામગીરી કરી આપવામાં આવે છે જેમાં નિયમ પ્રમાણે 20 દિવસમાં જ પાસપોર્ટ ઈસ્યુ થવો જોઇએ તેના બદલે અનેક લોકોના ત્રણ થી છ મહિના બાદ પણ પાસપોર્ટ ઇસ્યુ થયા નથી અને તે અંગે પોસ્ટતંત્રની કચેરી ખાતે રૂબરૂ રજુઆત કરવામાં આવતા ઉડાઉ જવાબ મળ્યા છે. મનસ્વી જવાબ આપીને જવાબદારી ખંખેરી નાંખવામાં આવે છે. હકીકતે પોરબંદર જિલ્લાના અસંખ્ય યુવક યુવતીઓ વિદેશમાં રોજગાર અર્થે જવા માટે પાસપોર્ટની પ્રક્રિયા કરાવે છે પરંતુ ઓનલાઇન કાર્યવાહીમાં ક્ષતિઓ રહી જતી હોવાના કારણે અથવા તો કોઇપણ ટેકનીકલ ફોલ્ટના કારણે પાસપોર્ટ નીકળતા નથી.