ગાંધીનગરઃ જિજ્ઞેશ મેવાણીના પટ્ટા ઉતારી નાંખીશના નિવેદનને લઈ પોલીસ પરિવારમાં રોષ વ્યક્ત થયો છે. વડગામના ધારાસભ્યના આ પ્રકારના વાણી વિલાસ સામે બનાસકાંઠા અને કચ્છ સહિતના જિલ્લામાં પોલીસના પરિવારજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. નારાજગી વ્યક્ત કરતા પોલીસ કર્મચારી તથા અધિકારીઓના પરિવારજનોએ મેવાણી માફી માગે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
જનઆક્રોશ રેલીઃ
રાજ્યમાં દારૂના દૂષણને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કર્મચારીઓના પટ્ટા ઊતરાવી નાંખીશ એવી ધમકી ઉચ્ચારી હતી. આ સાથે એવો દાવો પણ કર્યો હતો કે, 24 કલાકમાં વર્તમાન તથા ભૂતકાળના તમામ વહીવટદારોના નામ સાથેનું લીસ્ટ આપી દઉં. આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદન સામે પોલીસ પરિવારના લોકોએ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા. પાલનપુર, પાટણ, કચ્છ સહિતના જિલ્લામાં જિલ્લા ક્લેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
પોલીસનું મનોબળ તૂટ્યાનો આક્ષેપ
પોલીસના પરિવારજનોનું એવું સ્પષ્ટ કહેવું છે કે, ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને આ પ્રકારની વાતો શોભતી નથી. આવા નિવેદનથી પોલીસનું મોનબળ તૂટે છે. જિજ્ઞેશ મેવાણી જાહેરમાં માફી માગે. વિરોધ દર્શાવતા બેનર સાથે પોલીસ પરિવારના લોકોએ રેલી યોજી હતી, જન પ્રતિનિધિ તરીકે એમનો આવા શબ્દો યોગ્ય ન હોવાની વાત પણ પોલીસ પરિવારમાં ચર્ચામાં છે. આ પહેલા પણ મેવાણી પોલીસ સામે અયોગ્ય ભાષાનો પ્રયોગ કરી ચૂક્યા છે. માત્ર પોલીસ પરિવાર જ નહીં સામાન્ય નાગરિકોમાં પણ મેવાણી સામે વિરોધના સૂર વહેતા થયા છે. પોલીસના પરિવારજનોની એવી દલીલ છે કે, પોલીસ પટ્ટા અને ટોપી માટે સવારે ચાર વાગ્યે ઊઠીને દોડે છે.
પટ્ટા કે ટોપી કોઈના બાપની મહેરબાની નથી
પોલીસની પરીક્ષા માટે પરિશ્રમ કરે છે. કસોટીમાં પાસ થાય છે એ પછી એમને આ પ્રકારની પોસ્ટ મળે છે. પટ્ટા કે ટોપી કોઈના બાપની મહેરબાની નથી. દારૂના અડ્ડા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિને લઈને મેવાણી અગાઉ પણ તંત્ર સામે સવાલ કરી ચૂક્યા છે. ખાસ કરીને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આકરા શબ્દ પ્રયોગ કરી ચૂક્યા છે. દારૂ અને ડ્રગ્સના મુદ્દે મેવાણી બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ–ડ્રગ્સનો વેપાર યથાવત એવું વસાવાએ દાવા સાથે કહ્યું હતું.
ચૈતર વસાવાએ પુરાવાનો દાવો કર્યો
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમે 35 જેટલા વિડીયો સરકારને આપ્યા, જેમાં સ્પષ્ટ પણે દેખાતું હતું કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમુક પોલીસ અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવો. ગાંધીનગર ખાતેથી વાત કરતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે દારૂ મળી રહ્યો છે અને ડ્રગ્સ મળી રહ્યું છે એનાવિરુદ્ધ અમે અગાઉ પણ ભરૂચના કમિશનરને વર્ષ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.
પોલીસ અધિકારી હપ્તા લે છે
બીજી એક જગ્યાએ 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું અને સાયકામાંથી 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જયારે આ ડ્રગ્સની સિસ્ટમ સામે યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ સરકાર આ દિશામાં કોઈ કામ કરતી નથી. અમે 35 જેટલા વિડીયો સરકારને આપ્યા હતા જેમાં સ્પષ્ટ પણે દેખાતું હતું કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમે બધા પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરી રહ્યા પરંતુ અમુક અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવી જોઈએ એવી અમારી માંગ છે અને આવી બધી ઘટનાઓ પર હવે રોક લાગવી જોઈએ એવી પણ અમારી માંગણી છે.