ગુજરાતમાં ગંભીર અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે પસાર થતી એક કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ કારમાં સવાર દંપતીમાંથી પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પતિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બંને જણાના લગ્ન ગત ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતાં.
લગ્નના 11 મહિનામાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
જેતપુર ધોરાજી હાઈવે પર 25 વર્ષના શુભમ કાપડિયા અને તેમની પત્ની મિતાલી સાથે કાર લઈને જઈ રહ્યા હતાં. આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાટી ગયું હતું. જેથી તેમણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારના ફુરચા બોલી ગયા હતાં. કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હચતી અને કારમાં ફસાયેલા દંપતિને બહાર કાઢ્યું હતું. આ અકસ્માતમાં મિતાલીબેનનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તેમની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બંને દંપતીના લગ્ન ગત ફેબ્રુઆરી માસમાં જ થયા હતાં. લગ્નના 11 મહિનામાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.