રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડને ઘટનાનો કોલ મળતાની સાથે જ ટીમ રવાના થઈ હતી અને ત્રણ ફાયર ફાયટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગથી બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાનો પણ અંદાજ છે.
થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેંકમાં લાગેલી આગે થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાના કારણે બેંકની બારીના કાચ પણ તૂટી ગયા હતાં. પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતમાં તો આગ પર કાબુ મેળવી લેવાયો હતો પણ થોડીવાર બાદ ફરી આગ શરૂ થતાં બેંકનું શટરનું લોક તોડીને અંદરની સાઈડમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને કાબુમાં લેવાઈ હતી. આગને કારણે બેંકમાં મોટા નુકસાનની શક્યતાઓ છે. આગની ઘટનાની જાણ થતાં જ બેંકના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. સમગ્ર બાબતની બેંકની હેડ ઓફિસ ખાતે જાણ કરાઈ હતી.