ગુજરાતમાં કચ્છ અને ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ કેટલાક સમયથી ધરતીકંપનો અનુભવ થતાં લોકોમાં ભય ફેલાયો છે. શહેરમાં ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસથી લઈને આજે સવાર સુધીમાં કુલ આઠ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે 3.8 અને ત્યાર બાદ 2.7 તેમજ 3.2ની તીવ્રતાના સતત આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ભૂકંપના સતત આંચકાથી સમગ્ર પંથકના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરાઈ છે
ધોરાજીમાં ભૂકંપના આંચકાને લઈને સ્કૂલોમાં પણ તાત્કાલિક અસરથી રજા જાહેર કરવામાં આવી છે. વારંવાર ધરતી ધ્રુજી રહી હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સંચાલકોએ આ નિર્ણય લીધો હતો. આજે વહેલી સવારથી જ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરાઈ છે.
નાના બાળકોને લઈને વાલીઓમાં પણ ચિતા
ગીર સોમનાથના તાલાલા અને કચ્છના કેટલાક વિસ્તારમાં છેલ્લા ચારેક મહિનાથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં અગાઉ આંચકા અનુભવાયા હતાં. સતત આવી રહેલા આંચકાને કારણે લોકોને કચ્છમાં આવેલા ભૂકંપની યાદ આવી રહી છે. હાલમાં લોકોને શાંતિ જાળવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાના બાળકોને લઈને વાલીઓમાં પણ ચિતા જોવા મળી રહી છે.