મુંબઈઃ બુધવારે શેર માર્કેટ શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવને ફરી એકવાર અસર થઈ હતી. આ વખતે વધારો થતા રોકાણકારો ખુશ થઈ ગયા છે. ખોવાયેલી આશા ફરી જીવંત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના બજારમાં વધઘટ ચાલી રહી છે. ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. જંગી કડાકા બાદ બંને કિંમતી ધાતુઓમાં સારો એવો ભાવ વધારો થયો છે. સારી એવી રિકવરી જોવા મળી છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,400 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹4,000 થી વધુનો ઉછાળો નોંધાયો છે.
એક દિવસ ગાબડું પડ્યા બાદ રીકવરી
ચાંદીના ભાવમાં ગઈકાલે જે ગાબડું પડ્યું હતું, તેમાં વ્યાપક સુધારો આજે જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,28,783.00 હતો. ચાંદી ₹2,32,929.00 ના લેવલ સાથે ઓપન થઈ હતી. ચાંદીમાં ₹4,146.00 નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો જે ચાંદી તેના અગાઉના ભાવથી 1.79% ના વધારા સાથે ₹2,32,875.00 પર ટ્રેડમાં રહી હતી.
સોનામાં ભાવ વધારો થયો
ચાંદી જ નહીં સોનાના ભાવમાં પણ મોટો ભાવધારો જોવા મળ્યો હતો. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,51,418.00 હતો. તેની સામે સોનું ₹1,53,303.00 ના નવા ભાવે ખુલ્યું હતું. ઓપનિંગમાં જ ₹1,885.00 નો વધારો થયા બાદ સોનું 0.93% ના ઉછાળા સાથે ₹1,52,823.00 ના સ્તર પર ટ્રેડમાં રહ્યું હતું. હાલ સોનાની વેચાવલીમાં એટલો વધારો ન થતો હોવાનું કારણ સમજી શકાય એવું છે. હોળાષ્ટક બાદ ફરી લગ્નની સીઝન શરૂ થવાની છે એવા સમયે સોનાની ખરીદીમાં અલ્પવિરામ મૂકાયો હોય એવું માર્કેટનું ચિત્ર છે. માત્ર રોકાણકારોને ધ્યાન લેતા આ ભાવ વધારો ખાસ એક વર્ગ પૂરતો સિમીત હોય એવું માર્કેટ એક્સપર્ટ માની રહ્યા છે.