તિરવનંતપુરમઃ ભારતની સુપરસ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના શ્રીલંકા સામેની પ્રથમ ત્રણ T20 મેચમાં યોગ્ય રીતે પર્ફોમ કરી શકી ન હતી, પરંતુ ચોથી મેચમાં તે ફોર્મમાં પાછી ફરી અને જોરદાર રમત રમી. મેદાનમાં પ્રવેશતાની સાથે જ તેણે (Smriti Mandhana) દમદાર બેટિંગ કરી. શ્રીલંકાના બોલરો પાસે તેની બેટિંગનો કોઈ જવાબ ન હોતો. મંધાનાએ મેચમાં શક્તિશાળી અડધી સદી ફટકારી અને પોતાની ટીમને વિજય અપાવવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. ભારતે 30 રનથી શ્રીલંકા સામેની T20 મેચ જીતી લીધી.

48 બોલમાં 80 રન કર્યા
સ્મૃતિ મંધાનાએ મેચમાં 48 બોલમાં કુલ 80 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઇનિંગમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. શ્રીલંકાની બોલર પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કરતી વખતે તે ઇમેશા દુલાનીના હાથે કેચ આઉટ થઈ ગઈ. આ સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો. મંધાનાએ વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1703 રન બનાવ્યા છે. એક વર્ષમાં 1700 થી વધુ રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી છે.આ પહેલા કોઈ મહિલા ખેલાડી આવું કરી શકી ન હતી. વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1659 રન બનાવ્યા હતા. હવે તેણીએ પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો છે.

એક જ વર્ષમાં કુલ 1703 રન
સ્મૃતિ મંધાનાએ વર્ષ 2025 માં ભારતીય ટીમ માટે અસાધારણ પ્રદર્શન કર્યું છે. વર્ષ 2025 ODI વર્લ્ડ કપ જીતનાર ટીમની સભ્ય હતી. વર્ષ 2025 માં 23 ODI માં કુલ 1,362 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્ષ 2025 માં નવ T20I મેચોમાં કુલ 341 રન બનાવ્યા છે, જેનાથી આ વર્ષે કુલ રન 1,703 થયા છે. પોતાની આક્રમક બેટિંગના કારણે સ્મૃતિ કાયમ ચર્ચામાં રહી છે. ઓછા બોલમાં મેચનું પાસું પલટાવવામાં તે માહિર છે. એકવખત ક્રિઝ પર સેટ થયા બાદ ધીમે ધીમે સ્કોર બોર્ડને બુલેટ ટ્રેન ગતિ આપી દે છે. અગાઉ રન મામલે હરમનપ્રિતનો રેકોર્ડ રહ્યો હતો. જે હવે સ્મૃતિએ બ્રેક કરી દીધો છે. શ્રીલંકા સામે ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય ખરા અર્થમાં જીત તરફ લઈ ગયો હતો. સ્મૃતિએ આ મેચ થકી પોતાની કરિયરના 10 હજાર રન પૂરા કર્યા છે. એટલું જન નહીં T20I મેચમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પણ સ્મૃતિના નામે છે. 78 સિક્સથી સ્મૃતિ પ્રથમ ક્રમે છે.