Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી નિલેશકુમાર ઝાઝડિયાના શુભહસ્તે મેળાનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયાના સ્ટોલ
આ મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે.200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ તેમજ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયાના સ્ટોલ ઊભા કરાયા છે. દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધર્મ અને શાસ્ત્રોના કિસ્સાઓની વાત કરવામાં આવે છે. જ્યારે પ્રથમ દિવસે લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.દૂરદૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.