આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા ઓમકાર જાપ શરૂ કરાયો છે. દેશભરમાંથી અલગ અલગ પાઠશાળાના અંદાજે પાંચ હજાર જેટલા ઋષિકુમારો સોમનાથ આવશે. તેઓ સતત ત્રણ દિવસ ઓમકાર નામનો જાપ કરશે. આજે વડોદરા પાઠશાળાના ઋષિકુમારો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ તિર્થ ઓમકાર જાપથી ગુંજી ઉઠ્યું છે.

સોમનાથમાં સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સોમનાથમાં સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારોએ ઓમકાર જાપ શરૂ કરી દીધા છે. દેશભરમાંથી આવેલા હજારો ભક્તો સાથે આજે ઓમકાર જાપ શરૂ થયો છે. મહંમદ ગઝની જેવા અનેક આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો છતાં તેઓ આજ સુધી આપણી શ્રદ્ધાને કંઈ કરી શક્યા નથી. ત્રણ દિવસ લોકો મહા આરતી માટે હાજર રહેશે. સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

10મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી પણ સોમનાથ આવી રહ્યાં છે
10મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી પણ સોમનાથ આવી રહ્યાં છે. સોમનાથમાં વડાપ્રધાનના રોડ શોમાં 108 ઘોડાની અશ્વસવારી દ્વારા શૌર્ય યાત્રા યોજાશે. આજે પોલીસ ઘોડે સવારો દ્વારા અશ્વ સવારી માટેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આગામી 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ ખાતે રોડ શો યોજશે.