અમદાવાદઃ મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને મોડી સાંજે તેમજ રાત્રીના કલાકોમાં સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મહિલા સેલ દ્વારા શહેરના મહત્વના વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસ ટીમ દ્વારા એરિયા પ્રમાણે પેટ્રોલિંગ કરવામાં આવશે. શંકાસ્પદ લાગતા કોઈ પણ કેસમાં અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવશે. આ ડ્રાઇવનો હેતુ રાત્રિના સમયે જાહેર ઉપદ્રવ અને ગેરશિસ્તભર્યા વર્તન પર રોક મૂકવાનો, મહિલા મુસાફરો, મુલાકાતીઓ અને નાગરિકોમાં સુરક્ષા, વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવાનો છે.
આ ઉપરાંત રાત્રિના ભારે ફૂટફોલ ધરાવતા વિસ્તારોમાં કડક દેખરેખ જાળવવાનો છે. આ 30 દિવસની ડ્રાઇવ દરમિયાન અમદાવાદ જે એરિયા ફોકસ કરવામાં આવશે તે એરિયામાં એસ.જી હાઇવેનો સમાવેશ થાય છે. જે અમદાવાદનો 24 કલાક ધમધમતો એરિયા માનવામાં આવે છે. એસ.પી રિંગ રોડ અને સાબરમતી રિવરફ્રન્ટ સ્ટ્રેચનો સમાવેશ કરાયો છે. આ ડ્રાઇવ માટે જે ટીમો તૈનાત કરવામાં આવસે એ મહીલા સેલની સમર્પિત SHE ટીમો ત્યારબાદ સર્વેલન્સ,પેટ્રોલિંગ અને પ્રતિસાદ માટે ક્રાઇમ બ્રાન્ચની વધારની ટીમો કાર્યરત રહેશે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ આ ડ્રાઇવમાં સહકાર આપે અને કોઈપણ પ્રકારની હેરાનગતિ, ઉપદ્રવ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ નજીકના પોલીસ હેલ્પલાઇન કે કંટ્રોલ રૂમમાં જાણ કરે.