અમદાવાદઃ વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને આવકારવા માટે અમદાવાદ સહિત રાજ્યના તમામ મહાનગરમાં ભીડ ઉમટશે. 31 મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસના 12000 અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ડ્રોન, બોડીવોર્ન કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્ત જાળવશે. રાત્રીના 12 વાગ્યા બાદ જાહેર સ્થળે એકઠી થતી ભીડને દૂર કરવા માટે, નશાખોરો સામે પગલાં લેવા, બેફાન વાહનચાલકો તથા છેડતી કરનારા તત્ત્વોને પકડવા માટે પોલીસે ખાસ યોજના અમલમાં મૂકી છે. જાહેર સ્થળ ઉપરાંત ખાનગી ધોરણે પાર્ટી કરતા અને અન્ય લોકોને પરેશાન કરતા લોકોને પકડવા માટે પણ પોલીસે કાર્યવાહી કરી લીધી છે.

અમદાવાદમાં પાર્ટી-ડીનર
અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષને આવકારવા માટે અનેક જગ્યા પર પાર્ટીનું આયોજન થયું છે. વિવિધ રેસ્ટોરાંમાં ઓફર્સ શરૂ થઈ ચૂકી છે. ક્લબ તથા મોટી જગ્યાઓ પર ડીજે વીથ પાર્ટી એન્ડ ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આયોજકોએ અગાઉથી પ્લાનિંગ કરી રાખ્યું છે. જાહેર સ્થળોની સાથે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તાર ગણાતા વિસ્તારમાં યોજાતી ફાર્મ હાઉસ પાર્ટી ઉપર પણ ખાસ નજર રહેશે. નવા વર્ષના વધાવવાના ઉત્સાહ વચ્ચે કાયદો તોડનારા સામે પોલીસ દંડો ઉપાડશે. આ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે ચોક્કસ પોઈન્ટ પર બાજ નજર રાખી છે. શહેરમાં 4000 સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. અનેક એવા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

ડ્રોનથી સર્વેલન્સ
અમદાવાદ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી પાર્ટીઓ પર નજર રાખવા માટે તથા શંકાસ્પદ વસ્તુઓની હિલચાલ જાણવા માટે પોલીસ ડ્રોનથી નજર રાખશે. 150 અધિકારીઓ તથા 1000 પોલીસ જવાનોનો સ્ટાફ સ્ટેટ તથા જિલ્લાના ખાસ હાઈવે પોઈન્ટ પર નજર રાખશે. અમદાવાદ શહેરના એન્ટ્રી પોઈન્ટ ગણાતા વિસ્તારોમાં પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની સાથે નશો કરેલી સ્થિતિમાં કોઈ પકડાશે તો સીધી જેલની સજા થશે. 31 ડિસેમ્બરના રોજ સાંજથી પોલીસ જે તે રૂટ પર ગોઠવાઈ જશે. 12 વાગ્યાની સાથે જ ઉજવણી શરૂ થતા પોલીસ પણ એક્ટિવ થશે. ખાસ કરીને ટ્રાફિકની અડચણ ન થાય અને અસામાજિત તત્ત્વો એક્ટિવ ન થાય એ માટે વહેલી સવાર સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે. અમદાવાદમાં સી.જી. રોડ અને સિંધભવન રોડ પર ટ્રાફિક જામ થતો હોવાને લીધે એ બંધ રહેશે.