સુરતઃ સુરત શહેરના સહારા દરવાજા પાસે બ્રિજ પર BRTS બસ રેલિંગ સાથે અથડાઈ હતી. રિંગરોડ ફ્લાયઓવર પર બસનો અકસ્માત થતાં બસ બ્રિજથી નીચે ખાબકડા ખાબકતા બચી હતી. આ ગંભીર અકસ્માતને કારણે બેસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય માટે બૂમાબૂમ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસનો કાચ નીચે પડતાં તૂટી ગયો હતો. બસ જ્યારે બ્રિજ પરથી નીચે ઊતરી રહી હતી એ સમયે આ અકસ્માત થયો હતો.
રેલિંગનો એકભાગ તૂટી ગયો
બસની રેલિંગ સાથેની અથડામણ એટલી જોરદાર હતી કે, રેલિંગનો અમુક ભાગ તૂટી ગયો હતો. બસ નીચે ખાબકતા ખાબકતા બચી હતી. મોટી જાનહાનિ ટળી હતી. બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેના પગલે પોલીસે ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી કરી હતી. સુરત શહેરમાં બસનો આ કોઈ પહેલો અકસ્માત નથી. બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે અનેકવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે.