સુરતઃ સુરત શહેરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં મૃત્યું થયું છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે, રસ્તા પર યુવાનના માંસના ટુકડા પડ્યા હતા. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત થયો એના બે દિવસ પહેલા પ્રિન્સ મોત અને સ્વર્ગની વાત કરતો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર એણે એક રીલ પોસ્ટ કરી હતી. જે પછી હકીકત બની ગઈ હતી. પ્રિન્સ પોતાનું બાઈક લઈને યુનિવર્સિટી રોડ બાજુથી આવી રહ્યો હતો.
ઓવરસ્પીડના કારણે અકસ્માત
બ્રીજ ઊતરતી વખતે બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે, સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. પછી બાઈક ધડાકા સાથે ડીવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે પ્રિન્સનું માથું ધડથી અલગ થઈ ગયું.આ ઘટનાને નજરે જોનારાના કાળજા કંપી ગયા હતા. ઘટનાસ્થળે જ પ્રિન્સ મૃત્યું પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનથી પોલીસ ટીમ આવી પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી હતી. યુવાનના મોતથી એમના પરિવારજનો આઘાત પામ્યા છે. અકસ્માત સમયે પ્રિન્સે હેલ્મેટ પણ પહેર્યું ન હતું.
ટ્રાફિક ડીસીપીની અપીલ
સુરત શહેરના ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પ્રિન્સની માતાએ એમને ખૂબ જ મહેનત કરીને ભણાવ્યો હતો. ઓવરસ્પીડ ડ્રાઈવને કારણે આ સમગ્ર ઘટના બની હતી.લોકોને અપીલ છે કે, રીલ બનાવવાની ઘેલછામાં યુવાનો ઓવરસ્પીડ ડ્રાઈવ કરી રહ્યા છે. જે જીવલેણ અને જોખમી છે. આવા કૃત્યોથી દૂર રહેવું જોઈએ અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. પ્રિન્સ એમના પરિવારમાં એકનો એક દીકરો હતો.