બગદાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલભેગો કરવામાં આવ્યો છે. આ કેસ હવે જાણે રાજનૈતિક બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હિરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનો સામે આવી રહ્યાં છે. સુરતમાં યોજાયેલા કોળી સમાજની એક બેઠકમાં હિરા સોલંકીએ આક્રમક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આઠ લોકો મારે છે અને એક માર ખાય છે. આ લોકોએ ભડના દીકરાને છેતરીને માર્યો અને તેનો વીડિયો ઉતાર્યો એ મન ખટકી છે. હવે આપણા સમાજ સામે થતી કોઈપણ દાદાગીરીને સહન કરવાની નથી.
હવે આવી દાદાગીરી કોઈપણ સંજોગોમાં સહન નહીં થાય
સુરતમાં મળેલી બેઠકમાં હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, આઠ જણા મારે છે અને એક માર ખાય છે તોય ભડના દિકરાએ માફી નથી માંગી. મારવું અને માર ખાવો એ બંને મર્દાનગીનું કામ છે. આ લોકોએ આપણા છોકરાને છેતરીને માર્યો અને તેનો વીડિયો બનાવ્યો તે એક દહેશત ઉભી કરવાનું કામ છે. સામાન્ય રીતે માર ખાવા વાળાના પરિવારજનો વીડિયો ઉતારતા હોય છે કે, સામે વાળાએ અમારા માણસને માર્યો, પણ આ તો મારનારા જ વીડિયો ઉતારે છે. તે મને ખટકી ગયું હતું. હવે આવી દાદાગીરી કોઈપણ સંજોગોમાં સહન નહીં થાય.
કોઈપણ વ્યક્તિ પર થયેલો હુમલો સાંખી નહીં લેવાય
હિરા સોલંકીએ કહ્યું હતું કે, સમાજના કોઈપણ વ્યક્તિ પર થયેલો હુમલો સાંખી નહીં લેવાય. તેમણે નવનીત બાલઘિયાની હિંમતના વખાણ કર્યા હતાં. નવનીતે આટલો ત્રાસ સહન કરવા છતાં માફી નથી માંગી એ મર્દાનગીનું કામ છે. તેમણે સમાજના યુવાનોને જાગૃત રહેવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે તેઓ હંમેશા સમાજની સાથે ઉભા રહ્યાં છે અને ઉભા રહેશે.