સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે ગત વર્ષે આજીવન કેદની સજા ફટકારી હતી.જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી ગુજરાત હાઇકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતાં. બાદમાં પૂર્વ MLA નલિન કોટડિયાને અને હવે પૂર્વ IPS જગદીશ પટેલને પણ જામીન આપ્યા છે.
ACB કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં
આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને PI અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. ACBની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો.