સુરતમા એક જાણિતા બિલ્ડર તુષાર ઘેલાણીએ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આજે તેમણે પોતાના જ ઘરમાં ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા બિલ્ડરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડરે આપઘાત કરવા માટે ગોળી કેમ મારી તેને લઈને પણ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પ્રયાસ
સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં એક બિલ્ડરે અગમ્ય કારણોસર પોતાની રિવોલ્વરથી ગોળી ચલાવી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો. તેઓ જ્યારે બિલ્ડર પાસે પહોંચ્યા ત્યારે તેઓ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતાં અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી ગઈ હતી. બિલ્ડરે આપઘાત કરવા ગોળી કેમ મારી તેની હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ હાલમાં આ બનાવને લઈને તપાસ કરી રહી છે. બિલ્ડરના આપઘાતને લઈને સમગ્ર બિલ્ડર લોબીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.