સુરતમાં હીરા પેઢીના મેનેજર સાથે 1.70 લાખ રૂપિયા લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યજનક રીતે, આ સમગ્ર કૌભાંડ ફેસબુક પર અપલોડ થયેલા ફોટાઓથી બહાર આવ્યું હતું.અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતા 43 વર્ષીય વિપુલ ટીંબડિયાએ 2 ઓક્ટોબર 2025ના રોજ સોનલ સંદીપ ચૌહાણ સાથે અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. યુવતીએ પોતે અનાથ હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. લગ્ન કરાવનાર કમલેશ રામ કમાણીએ વર્ચેટિયા તરીકે 1.70 લાખ રૂપિયા લીધા હતા.
ફેસબુક પર અપલોડ થયેલા લગ્નના ફોટા પણ સામે આવ્યા
લગ્ન બાદ વિપુલભાઈ કમલેશ પર વિશ્વાસ રાખતા હતા. 13 માર્ચે કમલેશે પોતાના પુત્રના સારવારના બહાને સોનલને રાજકોટ મોકલવાની વાત કરી હતી. પરંતુ બીજા જ દિવસે સોનલનો ફોન બંધ થઈ ગયો અને તે ગાયબ થઈ ગઈ.શોધખોળ દરમ્યાન વિપુલભાઈને તેમના સંબંધીનો ફોન આવ્યો કે સોનલે રાજકોટના જસદણમાં અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ સાથે જ ફેસબુક પર અપલોડ થયેલા લગ્નના ફોટા પણ સામે આવ્યા.
શૈલેષ સોહલિયાએ પોતાના ફેસબુક પર આ ફોટા શેર કર્યા
તપાસમાં બહાર આવ્યું કે શૈલેષ સોહલિયાએ પોતાના ફેસબુક પર આ ફોટા શેર કર્યા હતા, જેમાં તેના સગા રાજેશ પડાળિયાએ જસદણના રામેશ્વર મંદિરમાં સોનલ સાથે લગ્ન કર્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે કમલેશ કમાણી અને તેની ટોળકીએ રાજેશ પાસેથી પણ 1.80 લાખ રૂપિયા લઈને લગ્ન કરાવ્યા હતા. પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ રાજેશે યુવતીને પકડી જસદણ પોલીસને સોંપી હતી. આ ઘટનાને પગલે વિપુલભાઈએ લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુરત પોલીસ વધુ તપાસ માટે જસદણ રવાના થઈ છે.