સુરતઃ સુરતમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિના આક્ષપો વચ્ચે સુરભી ડેરી સામે એક્શન લેવાયું છે. સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે પગલાં લીધા હતા. આ પહેલા પણ ડેરીમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા પરંતુ, કોઈ પ્રકારની કામગીરી ન થતા આરોગ્ય વિભાગો સામે અનેક આક્ષેપો થયા હતા. નકલી પનીર હોવાનું જાણવા મળવા છતાં ડેરી ચાલું રહી હતી. આરોગ્ય અધિકારી એફ.આઈ. બ્રહ્મભટ્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉ પણ આ ડેરીમાંથી સેમ્પલ લેવાયા હતા. જે તે અધિકારીને પૂછતા જાણવા મળ્યું હતું કે, કોર્ટમાં ફરિયાદ કરવા અંગે કાર્યવાહી ચાલું છે.
અંતિમ નિર્ણય લેવાયોઃ અધિકારીના આ નિવેદન બાદ કોઈ એક્શન ન લેવાતા અંતે સુરભી ડેરીને સીલ મારી દેવામાં આવી છે.સુરભી ડેરીમાંથી 200 કિલોથી વધારે નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેની માઠી અસર લોકોના આરોગ્ય ઉપર પડી શકે છે. વધારે નફો રળવા માટે દૂધની બનાવટમાં ભેળસેળ કર્યા હોવાનું તપાસમાંથી સામે આવ્યું છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, સુરભી ડેરીની શહેરમાં ચાર આઉટલેટ છે. આટલી મોટી સંખ્યામાં નકલી પનીરનો જથ્થો મળ્યા બાદ જે તે આઉટલેટને તરત જ સીલ કરવા જોઈતા હતા. જોકે, અંદરખાને આઉટલેટ ચાલું હતી એવા રીપોર્ટ્સ મળ્યા હતા.
લોકોનો રોષઃ વિવાદ વકરતા લોકોનો રોષ વધ્યો હતો.આખરે આરોગ્ય વિભાગ દ્વારા આ આઉટલેટને સીલ કરી દેવામાં આવી છે. સુરભી ડેરીના આઉટલેટ પર દરોડા પાડીને 955 કિલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરાયો હતો. જેમાં મોટાભાગનું પનીર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં સુરભી ડેરીના માલિકે પણ ક્બૂલાત કરી હતી કે, આ તમામ નકલી પનીર હતું. વાસ્તવિક પનીર કરતા 250થી 270 ના કિલો લેખે આ પનીર વેચાતું હતું. જેને બનાવવા માટે ગ્લેશિયલ એસિટિક એસિડનો ઉપયોગ કરાયો હતો.