સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે 38 વર્ષીય યુવકને લગ્નના નામે ખોટા ફૂલહાર કરી એજન્ટ યુવતી સહિત ટોળકીએ રૂપીયા 2.18 લાખ ઓળવી જતા આ છેતરપીંડી કરનાર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના વાઘોડીયા ગામે લઈ જઈ યુવતી દેખાડી
ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે અરવિંદભાઈ નામના યુવકને લગ્ન માટે કન્યા નહીં મળતા તેણે કન્યા માટે શોધખોળ શરૂ કરી હતી.પાટડીના ધનશ્યામભાઇ રાજપુતે અરવિંદભાઈને મારી પાસે છોકરી છે રૂપીયા બે લાખ આપવા પડશે તેવી વાત કરી વડોદરાના વાઘોડીયા ગામે લઈ જઈ યુવતી દેખાડી હતી. ત્યારબાદ રૂપીયા બે લાખ લઇ લીધા હતા અને યુવતી સાથે ફૂલહાર કરી લગ્નનું નાટક કર્યુ હતુ અને યુવતી રામગઢ ગામે આવી હતી. અરવિંદભાઈ એ યુવતીને કોર્ટ મેરેજ રજીસ્ટ્રાર કરવાની વાત કરતા યુવતીએ તેની પાસે કોઈ કાગળો નથી ફક્ત આધાર કાર્ડ છે. જેથી પછીથી લગ્ન રજીસ્ટ્રાર કરાવશે તેમ જણાવી ગલ્લા તલ્લા કરતી હતી. તેને માતાજીની બાધા કરવી છે તેમ કહી વધુ 8 હજાર લીધા હતા અને બે દિવસ બાદ બે યુવકો યુવતીને માવતર લઇ જવા આવ્યા હતા.
છેતરપીંડી કરનાર ટોળકીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા
યુવતી સોના ચાંદીના ઘરેણા લઇ વાઘોડીયા ગયેલ પરંતુ ઘણા જ દિવસો થવા છતા યુવતી પરત નહિ આવતા અને તેને નથી આવવુ તેમ જણાવતા અરવિંદભાઈએ ધનશ્યામભાઇ રાજપુતને જાણ કરવા છતા કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી અરવિંદભાઈ છેતરાયા હોવાનું લાગ્યુ હતુ.અરવિંદભાઈએ પત્ની પરત આવવાની ના પાડતા અને કોઇ એજન્ટ કે યુવતીના ઘરના કોઇ જવાબ નહિ આપતા છેતરાયેલ યુવક અરવિંદભાઈ એ ધ્રાગધ્રા તાલુકા પોલીસમાં ઘનશ્યામભાઇ રાજપુત, યુવતી કિંજલબેન વિનુભાઇ પટેલ, યુવતીના પિતા વિનુભાઇ, કિજલની માતા, રાજુભાઇ પરમાર, તેમજ ધર્મેશભાઇ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ છેતરપીંડી કરનાર ટોળકીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.