સુરેન્દ્રનગરઃ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનન કરેલી રેતીની હેરફેર કરતા આઠ ડમ્પરને પોલીસે પકડી પાડ્યા છે. ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પરથી આઠ ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે લાખણકા ગામે અલખધણી હોટલ પાસેથી તપાસ દરમિયાન આ તમામ લોકોને પકડી પાડ્યા હતા.
પાસ વગરના ઓવરલોડ વાહનો
આ તમામ ઝડપાયેલા ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ હતા. જેમાં રેતી ભરેલી હતી. ખનિજ ચોરીના કેસમાં તંત્ર હવે ખનન માફિયાઓને પકડવા તપાસ કરી રહી છે. આઠ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. જેની અંદાજિત કિંમત રૂપિયા 3 કરોડ 22 લાખ આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનોને વધુ કાર્યવાહી માટે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા વાહનોના માલિકોમાં મહેશભાઈ મંગળુભાઈ ખવડ, જયરાજભાઈ રંગપરા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા, રાજુભાઈ નાગરભાઇ કટોસરના, જયદેવભાઈ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા અને શિવ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે.