ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સની હેરાફેરી વચ્ચે રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ જાણે દારૂના વેપાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રથમ વખત 633 બુટલેગરોની યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લાના 10 જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે બુટલેગરોના નામ અને સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિદ્ધ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
બુટલેગરોને બોલાવીને કડક સૂચનાઓ આપી
સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ 633 બુલટેગરોની યાદી પ્રસિદ્ધ કરીને જે તે પોલીસ મથકના અધિકારીએ બુટલેગરના ઘરે દર એક મહિનામાં ઓછામાં ઓછી એક વખત રેડ કરવાની રહેશે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ડિવિઝન પ્રમાણે બુટલેગરોને બોલાવીને કડક સૂચનાઓ આપી છે. દર મહિને આ બુટલેગરોની યાદી જિલ્લા પોલીસે અપડેટ કરવી પડશે. બુટલેગરોની તમામ હિલચાલ પર વોચ રાખવાની જવાબદારી પણ લેવી પડશે. પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે ડીવાયએસપી અને પીઆઈને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી પોલીસે જાહેર કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.