સુરેન્દ્રનગરના સાયલામાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે ગોસળ ગામમાં રેડ કરી હતી. જેમાં ખેતરમાં વાવવામાં આવેલા ગાંજાના 26 જેટલા છોડ મળ્યા હતાં. પોલીસે દરોડા પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
26.57 લાખના ગાંજાના છોડ જપ્ત કર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે, ગોસળ ગામમાં દેવાભાઈ પરમારના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન ખેતરમાંથી વાવેલા ગાંજાના 26 છોડ મળી આવ્યા હતાં. પોલીસે 26.57 લાખના ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. પોલીસે આરોપીના ટેક્ટર સહિત 32.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીને પકડીને પુછપરછ હાથ ધરી છે.
ગાંજો વાવવા માટેનું બિયારણ ક્યાંથી આવ્યું
સાયલા પોલીસે આરોપી વિરૂદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગાંજો વાવવા માટેનું બિયારણ ક્યાંથી આવ્યું અને આ નેટવર્કમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નશાના વધી રહેલા દૂષણને ડામવા માટે પોલીસે કડકાઈ પૂર્વક કામગીરી શરૂ કરી છે.