સુરતઃ પાટીદાર સમાજમાં રીત-રિવાજોને નિયંત્રિત કરવા માટે મથુરભાઈ સવાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘બંધારણ’ અભિયાનને લઈને સમાજમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી જ્યારે જનજાગૃતિ દ્વારા નવા બંધારણની વકીલાત કરી રહ્યા છે, ત્યારે પાટીદાર અગ્રણી કે. કે. પટેલે આ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને ‘ચાપલૂસીનું રાજકારણ’ ગણાવ્યું છે.
શું કહ્યું કે. કે. પટેલે?
કે. કે. પટેલે જણાવ્યું હતું કે, “મથુરભાઈ સવાણી સમાજના આગેવાન છે અને તેમને પોતાની વાત રજૂ કરવાનો ચોક્કસ હક છે, પરંતુ સમાજને કઈ રીતે જોવો અને ચલાવવો એ આખી અલગ બાબત છે.” તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ માત્ર પોતાની પૂરતો મર્યાદિત નથી, અન્ય જ્ઞાતિઓ પણ પાટીદાર સમાજની સાથે ચાલતી હોય છે, ત્યારે આવા નિર્ણયો લેતા પહેલા ગંભીર વિચારણા જરૂરી છે. પોતાના નિવેદનમાં કે. કે. પટેલે અગાઉના નિર્ણયો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, “સમાજમાં ભૂતકાળમાં ઘણા ભોપાળા અને ખોટા નિર્ણયો લેવાયા છે. ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડની મિલકતો આજે ‘ધોળા હાથી’ સમાન બની ગઈ છે અને ભંગારમાં જઈ રહી છે. શિક્ષણ, હોસ્ટેલો કે બેંકોના નામે ઉભી કરાયેલી આ મિલકતોથી સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી.”

અગાઉ પણ બંધારણ બન્યા અને સફળ થયા
કે. કે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “સમાજના ઘણા લોકો એવું ઈચ્છે છે કે રાજકીય માણસોએ આમાં પડવું જોઈએ નહીં. અગાઉ પણ બંધારણો બન્યા છે અને સફળ રહ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ માત્ર ચાપલૂસીના રાજકારણ માટેની હોય તેવું લાગે છે. જો માત્ર ચાપલૂસી કરવા માટે જ નેતા બનવું હોય, તો સમાજને આવા નેતાઓ કે નવા બંધારણની કોઈ જરૂર નથી.” મથુરભાઈ સવાણી જ્યાં કુરીવાજો દૂર કરી આર્થિક સક્ષમતાની વાત કરી રહ્યા છે, ત્યાં કે. કે. પટેલના આ આકરા તેવરે પાટીદાર સમાજમાં નવી ચર્ચા છેડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ‘બંધારણ’ના આ આંદોલનમાં સમાજ કોની સાથે ઉભો રહે છે.